આઇ.પી.એલ. મેચની શરૂઆત થતાં જ સટ્ટોડિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. ત્યારે આજે બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી. ની ટીમે ડીસામાંથી આઇ.પી.એલ. ટુર્નામેન્ટમાં સટ્ટો રમાડી હવાલા મારફતે હારજીતનું ચુકવણું કરતા શખ્સને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આઇ.પી.એલ. ટુર્નામેન્ટની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પણ સટ્ટોડિયાઓ સક્રિય થઇ ગયા છે. ત્યારે જીલ્લા એલ.સી.બી. ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે એરપોર્ટ ચાર રસ્તા પાસે એક યુવક એક્ટીવા પર બેસી સટ્ટો રમાડતો હોવાની માહિતી મળી હતી. જેથી એલ.સી.બી.ની ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને એક્ટીવા પર બેઠેલા વિજય ચંદ્રકાન્ત ઠક્કર નામના યુવકને પકડી પૂછપરછ કરતા તેના મોબાઇલમાં ક્રિકેટ મેચની આઇડી મળી આવી હતી.

જેથી એલ.સી.બી.ની ટીમે તેની કડક પૂછપરછ કરતા ઝડપાયેલ યુવકે સુરતના મોહીલ પટેલ નામના વ્યક્તિ પાસેથી રાધે એક્સચેન્જ નામનું આઈડી ખરીદી આઇપીએલ ટુર્નામેન્ટની મેચમાં ઓનલાઇન ક્રિકેટ મેચ પર જુગાર રમાડી હવાલા મારફતે રકમનું ચુકવણું કરતો હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે તેની પાસેથી મોબાઇલ અને એક્ટીવા સહિત કુલ રૂ. 33 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.