ડીસાની આકાશ સોસાયટીમાં અડધી રાત્રે અચાનક ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉઠતા મહિલાને ગંભીર ઈજા પહોચી છે. બનાવને પગલે ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ વાર મારફતે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ આકાશ સોસાયટીમાં રાત્રે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સર્જાઇ છે. જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઇ માળી ધંધાર્થે મુંબઇ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માળી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સુતા હતા તેમજ રાત્રે અઢી વાગ્યા આસપાસ નવ મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગોસ સગડી ચાલુ કરવા જતાં જ ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
આગ લાગતા જ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ બૂઝાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાઝી જતા ઈજા પહોંચી હતી. બનાવને પગલે જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.