પાવીજેતપુર તાલુકાના ઈટવાડા મુકામે પાંચમનો મેળો માણવા આદિવાસી મેદની ઉમટી
પાવીજેતપુરના ઈટવાડા મુકામે વર્ષોથી હોળી પછીના પાંચમના દિવસે મેળો
ભરાતો હોય, જેમાં તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મેળાની
મજા માણવા માટે આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.
પૂર્વપટ્ટી વિસ્તારના આદીવાસીઓ મેળાના ખૂબ જ શોખીન છે તેમાં પણ
પાંચમનો મેળો એક અલગ આગવું સ્થાન ધરાવે છે તેથી હોળી બાદ પાંચમના દિવસે
ભરાતા આ મેળામાં પાવીજેતપુર તાલુકાના તથા આજુબાજુના તાલુકાના
ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આ મેળાનો આનંદ માણવા આદિવાસી જનમેદની
ઉમટી પડી હતી.
પાવીજેતપુર થી બે કિલોમીટર જેટલા અંતરે આવેલ ઇંટવાડા મેદાનમાં પાંચમનો
મેળો ભરાતો હોય છે. જ્યાં વેપારીઓ આગલી રાત્રે થી આવી પહોંચી પોતાની
જગ્યાઓ લઈ લે છે. સામાન્ય રીતે સવારથી જનતા મેળામાં જતી નજરે પડતી હોઇ છે પરંતુ આ વર્ષે પબ્લિક ઓછી જોવા મળી હતી. જયારે બપોર બાદ મેળા ના સ્થાને માનવ મહેરામણ નું કીડિયારું ઊભરાયું હોય તેમ લાગતું હતું.
યુવાધન પોતાના હાથો ઉપર દિલ તેમજ પોતાના તથા પોતાના પ્રિય પાત્રના નામો
છૂંદના દ્વારા લખાવતા નજરે પડતા હતા.
મેળામાં સળગતી ચુલના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી આદિવાસીઓએ
પોતાની માનતાઓ, બાધાઓ પૂર્ણ કરી હતી .બપોરના સમયે કેટલાક ઘેરયા પુરુષોએ
સ્ત્રીઓ નો વેશ ધારણ કરી તીરકામઠા, રામ ઢોલ સાથે મેળામાં આવી પહોંચતા આદિવાસીઓ આનંદમાં આવી ચિચિયારીઓ પાડી હતી. સાંજના સમયે ગામના
લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો.
આમ, પાવીજેતપુરમાં ઇંટવાડા મુકામે પાંચમનો મેળો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ
સાથે ભરાયો હતો. જ્યાં બપોર બાદ આજુબાજુથી આદિવાસી જનમેદની નો સેલાબ ઉમટ્યો હોય તેમ અહેસાસ થતો હતો.
પાંચમના મેળામાં મોટી મોટી ચગડોળો, ચકેડીયો તેમજ મોતનો કૂવો આવતો હતો જેને લઇ આ મેળામાં પબ્લિક ખૂબ મોટા પ્રમાણમાં આવી મેળા નો આણંદ માનતી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી મોતનો કૂવો, મોટા ચગડો, મોટી ચકેડીયો આવતી બંધ થઈ જતા પબ્લિક ધીમે ધીમે ઓછી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. જોકે આદિવાસી પબ્લિક રિટર્ન થતી હોય ત્યારે માથા ઉપર શેરડીના ભારા બાંધી ને જતી નજરે પડતી હતી.