ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક સવાર શિક્ષકની પત્નીને ગંભીર ઈજા પહોંચતા કરુણ મોત નિપજ્યું હતું.
ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર આજે ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. માણસા ગામના વતની વિનોદ વાપારાણી ડીસા તાલુકાના ભીલડી પાસે રતનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની હીનાબેન વાપારાણી સાથે બાઈક પર પાલનપુરથી ડીસા તરફ જઈ રહ્યા હતા. રસાણા નહેર પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવી રહેલ ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બાઇક સવાર દંપતી 50 ફૂટ જેટલા ઘસડાયા હતા. જેના કારણે બાઇક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ થઈ ગઈ હતી. જ્યારે શિક્ષક વિનોદભાઈને પણ નાની મોટી ઈજા પહોંચી હતી.
આ ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિનોદભાઈ તેમજ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ રાહત કામગીરી શરૂ કરી મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું કરુણ મોત થયું હતું. 10 વર્ષીય એક પુત્રીની માતાનું આકસ્મિક અવસાન થતાં પરિવારમાં માતમ છવાયો હતો. અકસ્માતને પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.