ડીસામાં આજે પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડીસા શહેરમાં અંદાજિત 100 થી પણ વધુ જાહેર સ્થળો, મંદિર અને સોસાયટી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ પરંપરાગત રીતે હોળી પ્રગટાવી લોકોએ તેની પ્રદક્ષિણા કરી પરિવાર અને સમાજમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. ત્યારે આજે ડીસા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડીસા શહેરમાં ગાંધીચોક, નવાવાસ, શિવનગર, ત્રણ હનુમાન મંદિર સહિત જાહેર સ્થળો, મંદીર તેમજ સોસાયટીઓમાં 100 થી પણ વધુ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવી હતી.

ડીસા તાલુકાના થેરવાડા સહિત આજુબાજુના ગામડાઓમાં સાંજે પરંપરા મુજબ ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાની 'હોળી' ખડકવામાં આવી હતી. ત્યારબાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે એકઠા થઇ શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ લોકો તેની પ્રદક્ષિણા કરી શ્રીફળ, ખજૂર, ધાણી વગેરે પવિત્ર મનાતી વસ્તુઓ હોમી પૂજન કર્યું હતું અને સમાજમાં અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે પ્રાર્થના કરી હતી.

આ અંગે સુનિલ મોદી અને વિપુલ મોદીએ જણાવ્યું હતું કે, ડીસા શહેરમાં ગાંધીચોક વિસ્તારમાં સૌથી જૂની અને મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. અહીં આજુબાજુમાં તમામ સમાજના લોકો ભેગા થઈ હોળીનું આયોજન કરે છે અને બાદમાં મહિલાઓ, બાળકો સહિત તમામ લોકો આવી હોળીની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી પરંપરાગત રીતે હોળી પર્વની ઉજવણી કરે છે.