- લેટર ઓફ કમ્ફર્ટનું લખાણ અસ્પષ્ટ હોય છે અને તેને કોઈ કાનૂની પીઠબળ હોતું નથી અને તેમાં રિપેમેન્ટની જવાબદારી લેવાતી નથી
- કંપનીઓને ધિરાણ રેટિંગ્સ માટે રિઝર્વ બેન્કના નિર્દેશની અસર થશે
લોન્સ મેળવવા માટે કંપની દ્વારા પૂરા પડાતા લેટર ઓફ કમ્ફર્ટ (એલઓસી)ને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ અમાન્ય રાખતા અંદાજે રૂપિયા ૩૫૦૦૦ કરોડની કોર્પોરેટ લોન્સ સામે ડાઉનગ્રેડનું જોખમ ઊભું થયું છે. એલઓસીમાં શબ્દપ્રયોગો અસ્પષ્ટ રહેતા હોય છે. આ દસ્તાવેજ મારફત બોરોઅરને ટેકાની ખાતરી અપાતી હોય છે, પરંતુ ડિફોલ્ટના કિસ્સામાં કોઈ બાંયધરી લેવાતી નથી. આ હકીકતને ધ્યાનમાં રાખી આરબીઆઈએ ક્રેડિટ એન્હેન્સ્ડ પૂરું પાડતી વખતે ખાસ ધોરણ અપનાવવા ક્રેડિટ રેટિંગ એજન્સીઓને નિર્દેશ આપ્યો છે.
લેટર ઓફ કમ્ફર્ટ મૂળ કંપની તેની સબ્સિડીઅરીસને લોન્સ લેવા માટે જારી કરતી હોય છે, જેમાં તે સબ્સિડીઅરીસ લોન લઈ રહી હોવાની પોતાને જાણ હોવાની માહિતી આપતી હોય છે.
એવી પણ શકયતા રહેલી છે, કે, ભવિષ્યમાં રિઝર્વ બેન્ક સ્પષ્ટ બાંયધરીની ગેરહાજરીમાં સરકાર તરફથી જારી કરાયેલ એલઓસીના આધારે જાહેર ક્ષેત્રના ઉપક્રમો માટે ધિરાણ વધારવાનું કદાચ નકારી પણ કાઢે.
બોરોઅરને રેટિંગ આપવામાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓ એલઓસીને ઘણું મહત્વ આપે છે. એક માર્ગદર્શિકામાં આવા પ્રકારના લેટરને ધ્યાનમાં નહીં લેવા રિઝર્વ બેન્કે રેટિંગ એજન્સીઓને નિર્દેશ આપેલ છે.
રિઝર્વ બેન્કના આ નિર્દેશને કારણે ૧૦૦ જેટલી કંપનીઓ જેમણે રૂપિયા ૩૫૦૦૦ કરોડની લોન્સ મેળવી છે, તેમના ક્રેડિટ રેટિંગ્સ ઘટવાની શકયતા રહેલી છે.
જે કંપનીઓના રેટિંગ્સ ઘટવાની શકયતા રહેલી છે, તેમાંથી ૬૦ ટકા જેટલી કંપનીઓ વીજ, આરોગ્યસંભાળ, એન્જિનિયરિંગ, બાંધકામ તથા માર્ગ ક્ષેત્રની છે. જે દેવા પર અસર થવાની શકયતા છે, તેમાંથી ૪૪ ટકા દેવું આ ક્ષેત્રની કંપનીઓ ધરાવે છે, એમ ઈક્રાના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
એલઓસીનું લખાણ અસ્પષ્ટ હોય છે અને તેને કોઈ કાનૂની પીઠબળ હોતું નથી અને તેમાં રિપેમેન્ટની જવાબદારી લેવાતી નથી હોતી.
રિઝર્વ બેન્કે જારી કરેલા નિર્દેશ પ્રમાણે રેટિંગ એજન્સીઓએ ક્રેડિટ એન્હેન્સમેન્ટ કમ્ફર્ટ તૈયાર કરવા થર્ડ પાર્ટીસ,મુખ્ય અથવા જુથ કંપની અથવા બેન્ક કે અન્ય નાણાં સંસ્થા દ્વારા પૂરી પડાતી સ્પષ્ટ બાંયધરી પર જ આધાર રાખવાનો રહેશે.
રેટિંગ એજન્સીઓ સેબી દ્વારા નિયંત્રિત થતી હોવાથી રિઝર્વ બેન્કે એવા કોન્ટ્રેકટસ જ માટે નિર્દશ જારી કર્યા છે જેનો બેન્કો ધિરાણ પૂરું પાડવા ઉપયોગ કરે છે.