- 28 વર્ષીય બુમરાહે જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે વનડે સીરીઝની 2 મેચ રમી હતી અને તેમાં તેને શાનદાર પ્રદર્શન કર્યું હતું
- બુમરાહ સિવાય હર્ષલ પટેલ પણ ઈજાના કારણે એશિયા કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમનો ભાગ બની શક્યો નથી
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે એશિયા કપ-2022માં રમી શકશે નહીં. આ સ્ટાર ખેલાડીને ઈજાના કારણે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી અને તેને રિહેબ માટે બેંગ્લોર ખાતે NCAમાં જવા માટે કહેવામાં આવ્યું છે. હવે એવા અહેવાલો છે કે, તેની ઈજા ગંભીર છે અને ટી20 વર્લ્ડ કપમાં પણ તેના રમવા અંગે શંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બુમરાહની આ ઈજા જૂની છે અને આ ઈજાની અસર ફરીથી જોવા મળી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોએ જણાવ્યું છે કે, જસપ્રીત બુમરાહની ઈજા જૂની છે જે ચિંતાનો વિષય છે. 28 વર્ષીય બુમરાહે જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે વનડે સીરીઝની 2 મેચ રમી હતી અને તેમાં તેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓવલ મેદાન પર બુમરાહે 19 રનમાં 6 વિકેટ ઝડપી હતી જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોએ કહ્યું હતું કે, 'હા, આ ચિંતાનો વિષય છે. તે રિહેબ માટે પરત આવ્યો છે અને ઉપલબ્ધ શ્રેષ્ઠ તબીબી સલાહ મેળવશે. સમસ્યા એ છે કે, તેની ઈજા જૂની છે અને તે ચિંતાનો વિષય છે.
તેમણે આગળ કહ્યું હતું કે, 'ટી-20 વર્લ્ડ કપ માટે અમારી પાસે માત્ર 2 મહિના બાકી છે અને તેને આ ઈજા સૌથી ખરાબ સમયે થઈ છે. અમે તેની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તે સર્વશ્રેષ્ઠ બોલર છે અને હાલમાં પરિસ્થિતિને કાળજીપૂર્વક સંભાળવાની જરૂર છે.
બુમરાહ સિવાય હર્ષલ પટેલ પણ ઈજાના કારણે એશિયા કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમનો ભાગ બની શક્યો નથી. UAEમાં યોજાનારી ટૂર્નામેન્ટ માટે ભારતે ટીમમાં 3 ઝડપી બોલરોનો સમાવેશ કર્યો છે જેમાં ભુવનેશ્વર કુમાર, યુવા અર્શદીપ સિંહ અને અવેશ ખાનનો સમાવેશ થાય છે.