ડીસામાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દુકાનો બનાવી હતી. પાલિકાએ વારંવાર નોટિસ આપવા છતાં પણ ખેતર માલિક દ્વારા દુકાનોના કોઈ જ આધાર પુરાવા રજુ ન કરતા બુધવારે નગરપાલિકાએ તમામ 10 દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસામાં બનાસ નદી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે આવેલ જમીનમાં માલીકો ભુદરાજી પુનમાજી માળી, મણીલાલ કસ્તુરજી માળી, મોતીજી વાઘાજી માળી, કપુરજી વાઘાજી માળી, મોહનલાલ વાઘાજી માળી અને નેમાજી કસ્તુરજી માળીએ ખેતીની જમીનમાં 10 જેટલી દુકાનો બનાવી હતી. ખેતીની જમીન પર એનએ કરાવ્યા વગર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી હતી. જે મામલે જાગૃત નાગરિકે વાંધા અરજી કરતા નગરપાલિકાએ આ મામલે ખેતર માલીકોને નોટિસ આપી હતી અને તેમની પાસેથી જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા.

પરંતુ ગેરકાયદેસર બાંધકામો હોવાથી ખેતર માલીકો દુકાનો બનાવવા માટેની પરવાનગી અંગેના કોઈ જ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. ત્યારબાદ ફરી નગરપાલિકાએ નોટિસ આપી સાત દિવસમાં દુકાનમાંથી તમામ સામાન હટાવી લેવા કહ્યું હતું. ત્યારે બુધવારે ડીસા નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તમામ 10 દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.