હિમાલયની પર્વતમાળાની તળેટીમાં આવેલા રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. તેની અસર જમ્મુ-કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં જોવા મળી છે. ચોમાસાના બીજા રાઉન્ડની એન્ટ્રી થતા વરસાદે જોર પકડ્યું છે. ભારે વરસાદ, પહાડો પર ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાંથી કુદરતના પ્રકોપની ભયાનક તસવીરો સામે આવી છે. જ્યાં વાદળ ફાટવાના કારણે ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રામબન જિલ્લામાં વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલન શરૂ થયું હતું. પહાડોનો કાટમાળ NH પર પડવા લાગ્યો. જેના કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરથી જે તસવીરો સામે આવી છે તેમાં જમ્મુ-કાશ્મીર હાઈવે પર પથ્થરોનો ઢગલો જોવા મળે છે. પર્વત પરથી સતત ખડકો પડી રહ્યા છે. આવી સ્થિતિમાં હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.
રામબનમાં ભૂસ્ખલનથી બે લોકોના મોત થયા છે
રામબનમાં વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. જો કે હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. ભૂસ્ખલનની માહિતી મળ્યા બાદ પ્રશાસન બંને તરફથી ઘટનાસ્થળે તૈયાર થઈ ગયું છે. જેસીબીની મદદથી હાઇવેને ખાલી કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. પરંતુ મોટા પ્રમાણમાં કાટમાળ હોવાને કારણે રસ્તો સાફ કરવામાં ઘણો સમય લાગશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
બીજી તરફ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટ્યું છે. અહીં વાદળ ફાટવાના કારણે પર્વત પર પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગ્યું. પાણીના આ જોરદાર પ્રવાહને કારણે અનેક દુકાનો ધોવાઈ ગઈ હતી. કુલ્લુ પ્રશાસન સંબંધિત વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. અહીં પાણીનો જોરદાર પ્રવાહ જોઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશના ચંબામાંથી પણ ભૂસ્ખલનની ભયાનક તસવીરો સામે આવી છે