*જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેએ જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર ખાતે આવેલા મીડિયા સેન્ટરની મુલાકાત લીધી*
સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના ઉપલક્ષમાં યોજાનાર ચૂંટણી સંદર્ભે જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર ખાતે તૈયાર કરાયેલા મીડીયા સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પત્રકાર મિત્રો સાથે સંવાદ સાધ્યો હતો.
લોકસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મિડીયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે.
ચૂંટણી દરમિયાન ક્યાંક ફેક ન્યુઝ અફવાઓ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર થતા અટકે અને ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ આ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે કાર્યરત આ સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક, રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યુઝ ચેનલમાં સાબરકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટેની કામગીરી આ સેન્ટર પર કરવામાં આવે છે. જેનો રીપોર્ટ એમ.સી.એમ.સી સમિતિમાં સમયાંતરે રજૂ કરવામાં આવે છે.
પત્રકારોને પ્રેસ બ્રીફીંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ લોકસભા ચૂંટણીલક્ષી વિગતો, મતદારોની યાદી, નોડલ ઓફિસરશ્રીની વિગતો સહિત લોકસભા ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે. જેના દ્વારા પત્રકારોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી ભુમિબેન કેશવાલા, નાયબ માહિતી નિયામકશ્રી નીધિબેન જયસ્વાલ,ચૂંટણી મામલતદારશ્રી હેમાંગીબેન,માહિતી વિભાગના સ્ટાફ સહિત પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.