લખતર તાલુકાના કડુ - તરમનીયા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા વિભાગની વલ્લભીપુર શાખાની કેનાલમાંથી એક યુવકની તરતી હાલતમા લાશ મળી આવી હતી. જેની જાણ આસપાસના લોકો દ્વારા પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.લખતર તાલુકાના કડુ તરમનીયા ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની વલ્લભીપુર કેનાલમા તરમનીયા ગામ નજીક રાત્રીના કેનાલમાં એક અજાણ્યા પુરૂષની લાશ તરતી હાલતમાં જોવા મળી હતી. જે કેનાલમા તરતી હાલતમાં લાશ હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા આજુબાજુના ગ્રામજનો કેનાલ પર એકઠા થઇ જવા પામ્યા હતા. કેનાલમાં લાશ હોવાની જાણ રાહદારીઓ દ્વારા લખતર પોલીસને કરવામા આવતા લખતર પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે આ ઘટનાને પગલે વઢવાણ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ઘટનાને પગલે વઢવાણ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કેનાલમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાની પ્રાથમિક તપાસ દરમિયાન યુવાન લખતરના સાકર ગામનો હિતેશભાઈ દયારામભાઈ ધોળકિયા નામનો હોવાનું અને ગુમ થયાની લખતર પોલીસ સ્ટેશનમા તા.12-03-2024ના રોજ જાણવા જોગ ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે કેનાલમાંથી લાશ મળતા પોલીસ દ્વારા ગુમ થયેલા યુવકના પરિવારજનોને સ્થળ પર બોલાવતા તેઓએ કેનાલમાંથી મૃત હાલતમાં મળી આવેલ યુવક ગુમ થયેલ હિતેશભાઈ ધોળકિયા હોવાનું જણાવ્યું હતું.લખતર પોલીસે લાશનો કબજો લઈ લાશને પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયારે યુવકની હત્યા કરાઈ હોવાની શંકાના આધારે યુવકની લાશને લખતર સરકારી હોસ્પિટથી રાજકોટ ફોરેન્સીક લેબમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જયારે આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.