દાંતીવાડાના નાની ભાખરના કૌટુંબિક ભાઈઓ શુક્રવારે હાથીદ્રા તેમની બહેનને મળીને પાછા આવતા હતા. ત્યારે ડીસા-ચિત્રાસણી હાઇવે પર સાંગલા ઢાળ પાસે ડીસા તરફથી આવતા ટ્રેકટર ચાલકે સામેથી ટક્કર મારતાં બાઇક સવાર યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે.
દાંતીવાડા તાલુકાના નાની ભાખરના જીતેન્દ્રસિંહ અને તેના કુટુંબીભાઈ જીગ્નેશસિંહ શુક્રવારે પોતાનું બાઈક નંબર જીજે-08-ડીએ-6235 લઈને હાથીદ્રા રહેતી બહેન સોનલબાને મળવા ગયા હતા. બહેનને મળીને સાંજે ઘરે આવતી વખતે ડીસા-ચિત્રાસણી હાઇવે પર સાંગલા ઢાળ પાસે ડીસા તરફથી આવતા ટ્રેકટર નંબર જીજે-08-બીએચ-3667ના ચાલકે પોતાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને સામેથી ટક્કર મારી નાસી ગયો હતો. બંને ભાઇઓ રોડ ઉપર પટકાતાં ગંભીર ઇજાઓ થઇ હતી.
જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં જીતેન્દ્રસિંહના છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજા થતાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. તથા જીગ્નેશસિંહને જમણા પગે ફ્રેક્ચર તેમજ મોઢાના ભાગે ઈજા થઈ હતી. જેમની સારવાર ચાલુ છે. જેની યુવકના કાકા દલપતસિંહ ભુરસિંહ વાઘેલાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.