સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામ વિસાવડી રોડ પર શ્રમિક ભરેલુ ટ્રેક્ટર પલટાતા અફડાતફડી મચી જવા પામી હતી. આ અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર 6 મહિલાઓને સામાન્ય ઈજા પહોંચી હતી. જેમાં ખેત મજૂરી કરી આવી રહ્યા હતા MPના શ્રમિકો, ત્યારે આ ગોઝારા અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અકસ્માતમાં કુલ 6 મહિલાઓને સામાન્ય ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાને હાથના ભાગે વધુ ઈજા પહોંચતા ફરજ પરના હાજર તબીબ દ્વારા આ મહિલાને વધુ સારવાર અર્થે વિરમગામ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ મજૂરો ભરેલા ટ્રેક્ટર સહિતની ટ્રોલી હેવી વીજ વાયરને અડકી જતા ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા અને સંખ્યાબંધ મજૂરો ઈજાગ્રસ્ત બન્યા હતા. બાદમાં જૈનાબાદ પાસે પણ મજૂરો ભરેલું ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા કેટલાંક મજૂરો ઈજાગ્રસ્ત બન્યા હતા. આ બંને ગોઝારી ઘટનાઓની શાહી હજી સુકાઈ નથી, ત્યાં દસાડા તાલુકાના વડગામ વિસાવડી રોડ પર શ્રમિક ભરેલુ ટ્રેક્ટર પલટાતા છે જટલી મજૂર મહિલાઓ ઈજાગ્રસ્ત બની હતી. ત્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં દસાડા પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.