ડીસા તાલુકાના કુંપટ ગામે ખેતરની જમીન મામલે ભાઈ-બહેન અને બનેવીએ ત્રણે સાથે મળી પોતાના પિતા અને ભાઈ ઉપર ધારીયું તેમજ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. ડીસા તાલુકા પોલીસે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ડીસા તાલુકાના કુંપટ ગામના પોતાના ખેતરમાં રહેતા ઈશ્વરજી ઉમેદાજી સાંખલા (માળી)ને ચાર પુત્રો અને પાંચ પુત્રીઓ છે. આ તમામના લગ્ન થઈ ગયા છે અને તમામ જુદા રહે છે. જ્યારે ઈશ્વરજી પત્ની સાથે કુંપટ ગામે ખેતર ઉપર રહે છે. ગુરુવારે ઈશ્વરજી પોતાના ખેતર ઉપર હતા ત્યારે તેમનો પુત્ર ચોથાજી ઈશ્વરજી સાંખલા ખેતર ઉપર આવ્યો હતો અને પાણીનો બોર ચાલુ કરવા જતા તેમના સગા બહેન લાકડી લઈને દોડી આવ્યા હતા અને કહ્યું કે કે અમારા ખેતર ઉપર કેમ બોર ચાલુ કરે છે એટલી વારમાં ચોથાજીના ભાઈ અને તેમના બનેવી પણ દોડી આવ્યા હતા.

બહેન-ભાઈ અને બનેવીએ આ ત્રણે જણાય સાથે મળી ચોથાજી ઉપર લાકડીઓ અને ધારીયા વડે હુમલો કર્યો હતો. બૂમાબૂમ કરતા ઈશ્વરજી આવી છોડાવતાં તેમને પણ લાકડીઓથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. પિતા પુત્રને સારવાર માટે ડીસાની સિવિલમાં ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ ચોથાજીની તબિયત ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા હતા. શુક્રવારે ઈશ્વરજી ઉમેદાજી સાંખલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ઓખીબેન ઉર્ફે ઉષાબેન દિનેશભાઈ ટાંક, દિનેશભાઈ મોડાજી ટાંક (રહે.પરબડી, મામાનગર-માલગઢ) અને અશોકજી ઈશ્વરજી સાંખલા (રહે.માલગઢ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.