ડીસાના ભોપાનગરમાં શાળાએ જતા બાળકોને ગટરના પાણીમાં થઈને પસાર થવું પડતું હોવાની બાબત ધ્યાને આવતા જ પાલિકા પ્રમુખે તાત્કાલિક જેસીબી મશીન સહિતની ટીમ મોકલી સફાઈ કામગીરી શરૂ કરાવી સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રયાસો કર્યા છે.
ડીસાના ભોપાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેના કારણે છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાથી અહીંના લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે.
ભોપાનગર વિસ્તાર અને આજુબાજુમાંથી શાળાએ જતા વિદ્યાર્થીઓ ને ગંદા પાણીમાં થઈ પસાર થવુ પડે છે અને રાજપૂર પ્રાથમિક શાળામાં જવા માટે પણ વિદ્યાર્થીઓ ગટરમાં થઈને પસાર થઈ રહ્યા હવાનું વીડિયો વાઈરલ થતા નગરપાલિકા પ્રમુખ સંગીતા દવે તરત જ ગંદા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરાવી હતી.
પાલિકા પ્રમુખ સંગીતા દવેએ જેસીબી મશીન સહિતની ટીમને તરત જ ભોપાનગર વિસ્તારમાં રવાના કરી હતી અને અત્યારે પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરી છે. તેમજ ગટર સફાઈની પણ કામગીરી કરી ગટરના ગંદા પાણીનો કાયમી ઉકેલ અને રોગચાળો ન ફેલાય તે માટે તકેદારીના પગલા લઈ સમસ્યાના કાયમી ઉકેલ માટેનું આયોજન કરવામાં આવ્યું છે.