ડીસામાં શેરડી વેચવા બાબતે ત્રણ શખસોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.
ડીસાના મોચીવાસ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બચુભાઈ પટણી છૂટક વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે અત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શેરડીનો સ્ટોલ લગાવ્યો છે અને શેરડીની ભારીઓનું વેચાણ કરે છે. તેમની બાજુમાં જ પરપ્રાંતીય શખસોએ પણ શેરડીના સ્ટોલ લગાવ્યા છે. તે દરમિયાન આજે શેરડી વેચવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાઇ ગયેલા પરપ્રાંતિય ત્રણ શખસોએ દિલીપભાઈ પટણી પર જીવલેણ હુમલો કર્યો હતો.
ત્રણેય શખસોએ ધોકા, શેરડીના સોઠા અને ફેંટોનો માર મારતા દિલીપભાઈને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત દિલીપભાઈને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક જણાતાં વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમજ હુમલો કરનાર ત્રણેય શખસો સામે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.