ડીસા હાઇવે પર આવેલી અંબર સોસાયટીના એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ડીસામાં રીલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલી અંબર સોસાયટીમાં રહેતા આત્મારામ સોની સોનીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે વહેલી સવારે રાજસ્થાનમાં મામેરા પ્રસંગે જવાનું હોવાથી તેઓ રાત્રે તેમના પરિવાર સાથે સાર ટાઉનશીપમાં રહેતા તેમના નાના ભાઈને ત્યાં સુતા હતા. તેમ જ આજે વહેલી સવારે તેઓ દિવી, અગરબત્તી કરવા માટે ઘરે પહોંચ્યા ત્યારે ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં દેખાયું હતું.
જેથી તેમને તરત જ ઘરમાં જઇ તપાસ કરતા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને પેટીનું તાળું તોડી તેમાં મૂકેલી બે તોલાની સોનાની ચેન અને દોઢ લાખ રૂપિયા રોકડની પણ ચોરી થઈ હોવાનું જણાયું હતું જેથી તેમણે તરત જ આ બનાવ બાબતે તેમના પરિવાર અને પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ અંગે મકાન માલિક આત્મારામ સોનીએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે રાજસ્થાન ખાતે મામેરા પ્રસંગે જવાનું હોવાથી અમે રાત્રે ભાઈના ઘરે સુતા હતા અને આજે વહેલી સવારે જ્યારે ઘરે દિવાબત્તી કરવા માટે પહોંચ્યો ત્યારે ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં દેખાયુ હતુ જેથી અંદર જઈએ તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે ઘરમાં તપાસ કરતા અજાણ્યા શખ્સો લોખંડની પેટી તોડી તેમાંથી અંદાજીત બે તોલાના સોનાની ચેન અને દોઢ લાખ રૂપિયા રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થઈ હતી. જે બાબતે જાણ કરતા પોલીસે આવી તપાસ કરી છે.