વઢવાણ : જિલ્લામાં શ્રાવણ માસના દિવસોમાં ઉપવાસો સાથે શિવજીની આરાધના કરી રહ્યા છે. જિલ્લામાં દૈનિક 2.5 લાખના ખર્ચે ખપતા ફળોની માગ વધતા હાલ રોજ 4 લાખથી વધુના ફળો આરોગતા હોવાનું બહાર આવ્યું છે. ઝાલાવાડમાં વિવિધ ફળોની માગ વધુ રહેતા જિલ્લામાં ફળોના અંદાજે હોલસેલના 5 તેમજ રિટેલના 100થી વધુ વેપારીઓ તેમાં જોડાયેલા છે. ત્યારે સીમલા, દિલ્હી, કાશમીર, અદાવાદ, ગોંડલ, રાજકોટ સહિતના સ્થળોએથી ફળો જિલ્લામાં આવે છે. સ્વસ્થ્ય નિરોગી રહે તે માટે અમુક લોકો દરરોજ ફળોનો આહાર કરતા હોય છે.બીજી તરફ વિવિધ રોગચાળામાં સપડાતા લોકોને પણ ફળો આરોગવા પડે છે. આથી જિલ્લામાં દૈનિક રૂ. 2.5 લાખ જેટલુ ફળોનું વેચાણ રહે છે. પરંતુ હાલ શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા છે. ધાર્મિક કાર્યક્રમને લઇને ફળોનો પ્રસાદ વધ્યો છે. તો ફળોના ભાવમાં પણ અંદાજે 20 ટકા જેટલા ઘટાડો હોવાથી લોકોમાં રાહત ફેલાઇ છે. આ અંગે ફળોના વેપારી કિશોર પ્રજાપતિએ જણાવ્યું કે, દરરોજ ખપતા ફળોની સામે શ્રાવણ માસમાં દૈનિક સફરજન, કેળા, નારંગી, મોસંબી, પાણીના નાળીયર સહિતના ફળોની માંગ વધી છે. આથી હાલ જિલ્લામાં રોજ 4 લાખના ફળો લોકો ખરીદી રહ્યા છે.