ડીસાના જૂનાડીસાનો યુવક બુધવારે સાંજે પોતાને ફોન ઉપર ધમકી આપનારા શખ્સ સામે ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. ત્યારે શખ્સ ત્યાં ઘસી આવી પોલીસ સ્ટેશનમાં જ હુમલો કરી ઇજા પહોચાડી હતી. આ અંગે તેની સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે.

ડીસા તાલુકાના જૂનાડીસા ખોડીયાર ચોક વિસ્તારમાં રહેતા લતીફમહંમદ અબુબકર સુમરા (ઉ.વ. 28) બુધવારે તેમના મિત્ર સાથે ગવાડી વિસ્તારમાં કામ પતાવી ફુવારા સર્કલ નજીક પસાર થઇ રહ્યા હતા.

 ત્યારે જુનાડીસાના આકિલ મોહંમદ બિસ્મીલ્લાખાન ઘાસુરાએ લોકલ ગૃપમાં બોગસ તબીબો વિરૂધ્ધ ફરિયાદ કરવાના મેસેજ બાબતે અપશબ્દો બોલ્યા હતા. આથી લતીફ મહંમદ તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા માટે ડીસા તાલુકા પોલીસ મથકે ગયા હતા. તે વખતે આકિલ ઘાસુરા ત્યાં આવ્યો હતો. અને પોલીસ મથકમાં જ અપશબ્દો ઉચ્ચારી લતીફ મહંમદ સુમરા ઉપર હુમલો કર્યો હતો. તેમના મોઢાના ભાગે નાક ઉપર આંખ નીચે નખ મારી ઇજા કરી હતી.

આ દરમિયાન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી તેમને છોડાવ્યા હતા. હાથમાં ધારીયું લઇને આવેલા આ શખ્સે જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે લતીફ મહંમદ સુમરાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આકિલ મોહંમદ બિસ્મીલ્લાખાન ઘાસુરા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.