પાલનપુર-અંબાજી હાઇવે ઉપર અંધારિયા નજીક રવિવારે વહેલી સવારે શ્રમિકોને લઇ જઇ રહેલી મેક્ષ ગાડી પલટી ગઇ હતી. જેમાં બે વ્યકિતના મોત થયા હતા. જ્યારે 12 જણાંને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.
દાંતા તાલુકાના સુલતાનપુરા (તોરણીયા) ગામેથી શ્રમિકોને બેસાડી મેક્ષ ગાડી નં. જીજે. 01. એચ. જી. 4837નો ચાલક જલોત્રા તરફ જઇ રહ્યો હતો. ત્યારે અંધારિયા નજીક ગાડી પલટી ગઇ હતી. જેમાં તોરણીયાના ભેરાભાઇ મોતીભાઇ ડામોર (ઉ.વ. 40) અને બંસીભાઇ માવાભાઇ ડામોર (ઉ.વ.45)ને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતુ.
જ્યારે મહેશભાઇ હિરાભાઇ ડામોર, આશિષભાઇ ઇશ્વરભાઇ ડામોર, નવજીભાઇ નાનાભાઇ ડામોર સહિતના વ્યકિતઓને વધતી ઓછી ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ચંદુભાઇ મોતીભાઇ ડામોરે ગાડી ચાલક સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે, દાંતા પંથકમાં મહત્તમ આદિવાસી લોકો વસવાટ કરે છે. જોકે, અહીં કોઇ ઉદ્યોગ ધંધા ન હોવાથી લોકો અન્યત્ર જઇ મજુરી કરવા મજબુર છે. વર્તમાન સમયે ઘઉં, રાયડો તેમજ પપૈયાની સિઝન ચાલી રહી હોવાથી દાંતાના જુદા-જુદા ગામોમાંથી દરરોજ 50 ઉપરાંત ગાડીઓમાં જીવના જોખમે મુસાફરી કરીને મજુરીએ જઇ રહ્યા છે.