ડીસામાં દારુ પીને બેફામ રીતે દૂધનું ટેન્કર ચલાવતા ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. રોષે ભરાયેલા લોકોએ વાહન ચાલકને પકડી ડીસા તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે એક બેફામ બનેલા દૂધ ટેન્કરના ચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા અકસ્માત સજાયો હતો. ધાનેરા તરફથી આવી દૂધ ભરીને એક ટેન્કર ચાલક ડીસા તરફ આવી રહ્યો હતો. નશામાં ધૂત હોય તે રીતે બેફામ રીતે આવી રહેલા ટેન્કર ચાલકે અલગ અલગ ત્રણ વાહનોને લીધા હતા.

 આજુબાજુના વાહનોને અડફેટે લઈ રોડ પર આતંક મચાવતા અન્ય વાહન ચાલકો અને લોકો રોષે ભરાયા હતા. તો કેટલાક લોકોએ આ ટેન્કર ચાલકનો પીછો કરી તેને આખોલ ચાર રસ્તા પાસે પકડી પાડ્યો હતો.

સ્થાનિકોએ ટેન્કરને અટકાવી તપાસ કરતા ટ્રકમાં કેબિન આગળ દારૂની બોટલ પણ મળી આવી હતી. ઘટનાની જાણ કરતા ડીસા તાલુકા પોલીસ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ટેન્કર ચાલકની પૂછપરછ કરતાં તે પાલનપુર ના ઢેલાણા ગામનો શૈલેષ રાવળ હોવાનું જણાયું હતું. તેમજ પોલીસે તપાસ કરતા તે ચાલી શકે પરિસ્થિતિમાં પણ ન હતો જેથી પોલીસે ચાલક સામે પ્રોહીબિશન એક્ટ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.