ખેડબ્રહ્માના ગઢડા શામળાજી ખાતે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં સિકલસેલ એનિમિયા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ડો. યઝદી માણેકશા ઇટાલિયા ( પદ્મશ્રી ),EX ડાયરેક્ટર, સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ ખાસ ઉપસ્થિત રહી ડોક્ટરોને માર્ગદર્શન આપ્યું હતું. 

   ખેડબ્રહ્માના ગઢડા શામળાજી ખાતે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં સિકલસેલ એનિમિયા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

       સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર એવા ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકામાં સિકલસેલ રોગના ૬૭૮ દર્દીઓ નોંધયેલ છે. આ રોગ આદિજાતી વસ્તીમાં વારસાગત રીતે થતો જોવા મળે છે. સિકલસેલ બીમારીના કારણે દર્દીઓના લોહીમાં રહેલ લાલ કણો જે સામાન્ય રીતે રકાબી જેવા હોય છે તે દાતરડા (સિકલ ) ના આકારના થાય છે. રકતકણોનું આયુષ્ય ૩૦ થી ૪૦ દિવસનું થઇ જાય છે. તેમજ લાલ કણોની સ્થિતિ સ્થાપકતામાં ઘટાડો થવાથી રકતાવાહિનીમાં પરિભ્રમણ કરવાની ક્ષમતા ઘટી જાય છે.

   રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ પ્રજાની સુખાકારી માટે સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ હાથ ધરેલ છે.આ બીમારીમાં રકતકણો પૂરતા પ્રમાણમાં ના બનતા હોવાથી દર્દીમાં એનિમિયા જોવા મળે છે. જિલ્લામાં આ રોગના દર્દીઓના પ્રમાણમાં વધારો ન થાય તે માટે જન સામાન્યમાં આ રોગ થવાના કારણો અંગે જાણકારી મળી રહે તે માટે સિકલસેલ રોગના વિષય નિષ્ણાંતશ્રીઓ ડો. યઝદી માણેકશા ઇટાલિયા ( પદ્મશ્રી ), EX. ડાયરેક્ટર, સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ, ગુજરાત ખાસ આ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહી ડોક્ટરો તેમજ લોકોને માર્ગદર્શન આપ્યું હતું.  

      આ સાથે આસી. ડાયરેક્ટર, વલસાડ રક્તદાન કેન્દ્રના શ્રી ભાવેશ અને પૂર્વ, રોગાચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. મેહુલ ડેલીવાલા દ્વારા સિકલસેલના દર્દીઓ, ખાનગી અને સરકારી દવાખાનાના તબીબો સાથે પ્રાસંગીક સંવાદ કર્યો હતો. તેમજ આ વિસ્તારના પ્રજાજનોમાં સિકલસેલ અંગે જનજાગૃતિના ઉમદા હેતુસર નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

   આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિ ચેરમેન અનસૂયાબેન ગામેતી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ડોક્ટરો, આરોગ્ય શાખાના અધિકારી -કર્મચારીઓ અને મોટી સંખ્યામાં દર્દીઓ અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.