કાલોલ તાલુકાના ખંડોળી સ્થિત જલારામ બાપાના મંદિરના પટાંગણમાં નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન તથા"ન્યુટ્રીસિરીઅલ" યોજના અન્વયે કૃષીમેળા-વ -પ્રદર્શનનું આયોજન કરાયું હતું.કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત જીલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ દ્વારા ખેડૂતોને ન્યુટ્રીસિરીઅલ એટલે કે તૃણ ધાન્ય/અનાજનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, તૃણ ધાન્ય જેવા કે બંટી, બાવટો, જુવાર,નાગલી, સામો જેવા અનાજમાં ભરપૂર માત્રામાં મિનરલ અને પોષક તત્વો રહેલા હોય છે જે શરીરની તંદુરસ્તી જાળવી રાખે છે.આ સાથે ડેરોલ સંશોધન કેન્દ્ર,આ. કૃ.યુનિ.ના વૈજ્ઞાનિક ચિરાગભાઈ ડામોર દ્વારા તેમના સંશોધન કેન્દ્ર દ્વારા અખતરા કરતા વિવિધ પાકોની નવીન આઘુનિક જાતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો અનિલભાઈ તેમજ નરવતસિંહ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત, બિજામૃત, વાફસા, આચ્છાદન અને મિશ્ર સહજીવન પાક પદ્ધતિ અંગે સમજ આપી ૧ દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થાય છે તે અંગે તેમના અનુભવો રજૂ કર્યા હતા.આ સાથે ખેડૂતોને વિવિધ સહાય રકમ હેઠળ હુકમો એનાયત કરાયા હતા.કાર્યક્રમમાં કાલોલ તાલુકા પ્રમુખ સવિતાબેન રાઠવા,કાલોલ તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા ઉપપ્રમુખ, બાગાયત અધિકારી, મદદનીશ ખેતી નિયામક, પેટાવિભાગ, મદદનીશ ખેતી નિયામક (ગુ. નિ),મદદનીશ ખેતી નિયામક (કપાસ), ખેતી અધિકારી,જી. પં, વિસ્તરણ અધિકારી,ગ્રામ સેવકઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.