પાવીજેતપુર તાલુકાના ઠલકી ગામે રોડ ઉપર બે બાઈકો અથડાતા એક યુવાનનું મોત

           પાવીજેતપુર તાલુકાના ઠલકી ગામે બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર બે બાઈકો સામસામે અથડાતા એક યુવાનનું સારવાર દરમિયાન કરુણ મોત થવા પામ્યું છે. 

               પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર પંથકના વાઘવા ગામના રહીશ શૈલેષભાઈ ચીમનભાઈ રાઠવા ( ઉ. વ. ૪૫ ) ના ઓ પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નાઈટ વોચમેન તરીકેની નોકરી કરતા હોય, જેઓ સાંજના સમયે નોકરીએ જવા માટે પોતાના ઘરેથી બાઈક લઇ નીકળ્યા હતા ત્યારે ઠલકી બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર, સામેથી એક અજાણ્યા બાઈક ચાલકે ગફલત ભરી રીતે હંકારી લાવી ભયંકર રીતે અથાડી દેઈ અકસ્માત કરતા શૈલેષભાઈના માથાના ભાગે તેમજ જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓને ૧૦૮ માં બોડેલી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત થવા પામ્યું હતું. આ બનાવ અંગે પાવીજેતપુર પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.