ડીસા નગરપાલિકા વિસ્તારમાં સ્પીકરો લગાવી દેશ ભક્તિ અને હનુમાન ચાલીસા સહિત વિવિધ સૂચનાઓ માટે નગરપાલિકાએ જાહેર માર્ગો પર 100 સ્પીકર લગાવાનો નિર્ણય લેવાયો છે. જે માટેનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે.

ભાજપ શાસિત ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ડીસા નગરપાલિકાએ શહેરના જાહેરમાર્ગો પર સ્પીકર લગાવવાનું નક્કી કરાયું છે. શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીના મુખ્ય માર્ગો પર 100 જેટલા સ્પીકર લગાવવામાં આવશે. જેમાં દેશ ભક્તિના ગીતો, હનુમાન ચાલીસાના પાઠ સહિત નગરજનોને વિવિધ સૂચનાઓ આપવા સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે.

આ બાબતે નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે, શહેરમાં નગરજનોને સામૂહિક રીતે કોઇ સૂચના આપવી હતી. જાહેર કાર્યક્રમોમાં દેશ ભક્તિના ગીતો કે પછી હનુમાન ચાલીસા જેવા ગીતો વગાડવાથી નગરમાં ભક્તિ અને દેશ ભક્તિનો માહોલ સર્જાય તે માટે રૂપિયા 15 લાખની જોગવાઈ કરાઈ છે અને ટૂંક સમયમાં જ શહેરના માર્ગો પર સ્પીકર લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે.