ગુંદરી પોલીસે શુક્રવારે રાત્રે ચેકપોસ્ટ ઉપરથી સ્વીફટ કારમાંથી શંકાસ્પદ 61 કિલો ચાંદીના અલગ-અલગ દાગીના રૂપિયા 43 લાખથી વધુના મુદામાલ સાથે એક શખસની ધરપકડ કરી છે.
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.દત્તા સહિત પોલીસ સ્ટાફ શુક્રવારે રાત્રે ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન મંડાર (રાજ.) તરફથી સ્વીફટ કાર નંબર આરજે-30-સીએ-2690 આવતાં કારને સાઇડમાં કરાવી ચેક કરતાં કારમાં અલગ-અલગ નાની મોટી સાઇઝના બાળકોના તેમજ સ્ત્રીઓના ચાંદીના પહેરવાના દાગીના મળી આવ્યા હતા.
જેમાં પગમાં પહરેવાની નાની મોટી સાઇઝની વીછી, નાના બાળકોના પગમાં પહેરવાના કડા તથા સ્ત્રીઓને પગમાં પહેરવાના કડા, બાળકોના હાથમાં પહેરવાના કડા, સીંદુર ડબ્બી, કાજલ ડબ્બી, ત્રિશુલ, ગોગા મહારાજનું છતર, તુલસી કયારા તથા કાનુડાના ઝુલાના પેકેટો બનાવેલા મળી આવ્યા હતા.
જે તમામનું વજન આશરે 62.904 કિ.ગ્રામ જણાઈ આવ્યું હતું. જેની કિંમત રૂપિયા 43,50,727 થવા પામી હતી. સાથે કાર ચાલક દાગીનાઓ બાબતે કોઇ સંતોષકારક જવાબ આપતો અને બીલ રજુ ના કરતા હોઇ જેથી પોલીસે દાગીના કબજે લઇ કાર ચાલક વિશાલ તુલસીદાસ વ્યાસ (રહે.શિવ સુંદર સદન, રામપુરા નાથદ્વારા, તા.નાથદ્વારા, જી.રાજસમન્દ-રાજ.) વિરૂધ્ધ ગૂનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.