ડીસામાં આજે બે અલગ-અલગ જગ્યાએ બે અકસ્માત સર્જાયા હતા. જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડીસામાં આજે રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે અને દામા ગામના પાટીયા પાસે બે અકસ્માતો સર્જાયા હતા. રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે રીક્ષા સ્ટેન્ડ પર બે રિક્ષાઓ સાઈડમાં પડી હતી. તે સમયે પૂરપાટઝડપે પસાર થતા એક કારચાલકે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

 આ અકસ્માતમાં બેઠેલા બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ સિવાય ડીસા-થરાદ હાઇવે પર આવેલા દામા ગામના પાટીયા પાસે પણ અકસ્માત થયો હતો. જેમાં બોલેરો ગાડીને કારચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે જાનહાની ટળી હતી, પરંતુ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.