ડીસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલા ગેરકાયદેસર ગોડાઉનના માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને સાત દિવસમાં આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ગોડાઉન તોડી પાડવાનો ઉલ્લેખ નોટીસમાં કરવામાં આવ્યો છે.
ડીસા શહેરમાં દબાણો વધી રહ્યા છે ત્યારે હવે ડીસા નગરપાલિકા કચેરીની પાછળ જ ગેરકાયદેસર ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. અહીં પહેલા ગેરકાયદેસર રીતે ગરીબ લોકો ઝુંપડપટ્ટી બનાવીને રહેતા હતા, પરંતુ હવે ઝુંપડું હટાવીને ત્યાં મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. નગરપાલિકાની જગ્યા પર કોઈપણ જાતની પરવાનગી વગર મોટું ગોડાઉન બનાવી દેવાયું છે.
માત્ર બે દિવસમાં જ રાતોરાત તૈયાર થયેલું ગેરકાયદેસર ગોડાઉન લોકોના ધ્યાને આવતા જ સોશિયલ મીડિયામાં ગેરકાયદેસર દબાણ હટાવવા લોકોએ મેસેજ વાઈરલ કર્યો હતો. જે બાબત ધ્યાને આવતા જ નગરપાલિકા સફાળી જાગી છે અને ગોડાઉન બનાવનારને નોટીસ ફટકારી છે.
નોટીસમાં જણાવ્યું હતું કે, ગોડાઉનની જમીન અને બાંધકામ અંગેના જરૂરી દસ્તાવેજો સાત દિવસમાં નગરપાલિકા કચેરીએ રજૂ કરવા, જો સાત દિવસમાં આ ગોડાઉનના આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગોડાઉન તોડી પાડવામાં આવશે.