*૩૨ વર્ષથી હું બોલ્ટ નહિ, મારા દેશની આબરૂ ટાઇટ કરી રહ્યો છું*
- સરદાર પટેલ યુનિવર્સિટીમાં કર્તવ્ય બોધ કાર્યક્ર્મ યોજાયો
વલ્લભ વિદ્યાનગર, દિનાંક ૧૨ ફેબ્રુઆરી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર શાખાના ઉપક્રમે આજે કર્તવ્ય બોધ કાર્યક્ર્મ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ બૌદ્ધિક પ્રમુખ શ્રી સુનીલભાઈ મહેતા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે તથા કાર્યકારી કુલપતિશ્રી નિરંજનભાઈ પટેલ આ કાર્યક્રમના અઘ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હ્યુમાનીટીઝ બિલ્ડિંગના આદિશંકરાચાર્ય હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના ૧૨૫ જેટલા અધ્યાપકો જોડાયા હતા.
સાંપ્રત સમયમાં અધ્યાપકોના કર્તવ્ય વિશે વાત કરતા શ્રી સુનીલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ બોલવાની ઉજ્જવળ પરંપરા છે. આ પરંપરાને અનુરૂપ અધ્યાપકે પોતાની ભૂમિકા માત્ર અભ્યાસક્રમ સુધી મર્યાદિત ન રાખી, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને ચારિત્ર ઘડતર પર ભાર મુકવો જોઈએ. વિધાર્થીના ચિંતનના કેન્દ્રમાં રાષ્ટ્ર રહે અને તે પોતાના રાષ્ટ્રના નાગરિકોને સહોદર ગણી તેમની સાથે નીતિમત્તા મુજબનો વ્યહવાર કરે તે અત્યંત જરૂરી છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં દેશનું કેંદ્ર બિંદુ એ વ્યક્તિ નહિ, પરિવાર છે. પરિવારના ભોગે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર એ ક્યારેય ભારતીય સંસ્કૃતિમાં સ્વીકાર્ય નથી. વર્તમાન સ્થિતિમાં વિધાર્થીઓના ચિંતનમાં અર્થ નહિ, પણ પરિવાર અને રાષ્ટ્ર કેન્દ્રમાં રહે તે મુજબનું શિક્ષણ આપવાની જવાબદારી અધ્યાપકોની છે. જ્ઞાન સાથે મૂલ્યોની વાત કરતા તેઓએ રાવણનું ઊદાહરણ આપી જણાવ્યું હતું કે રાવણ પણ જ્ઞાની હતો, પણ મૂલ્યોના અભાવે તેનું જ્ઞાન દેશ અને સંસ્કૃતિના હિતમાં નહોતું. સરદાર પટેલ યુનિવર્સિટીના અધ્યાપકોના વિષય આધારીત જ્ઞાન અને સંશોધન કાર્યના તેઓએ વખાણ કર્યા હતા. પરંતુ અભ્યાસની સાથે સાથે તમામ વિદ્યાશાખાના વિધાર્થીઓને ભારતીય જ્ઞાન પરંપરા, ગૌરવશાળી ઇતિહાસ અને દેશના માનબિંદુઓ વિષે માહીતી આપવા પણ સૂચન કર્યું હતું. આ સાથે તેમણે ઉજ્જ્વળ ભાવ સાથે કર્મ કરવાની વાત પણ ભગવત ગીતાના વિષાદ યોગના માધ્યમથી સમજાવી હતી. તેમણે જાપાનમાં ૩૨ વર્ષથી વાહનના બોલ્ટ ટાઈટ કરતા કારીગરનો પ્રસંગ ટાંકી કહ્યું હતું કે જ્યારે એ કારીગરને પૂછવામાં આવ્યું કે વર્ષોથી તમે બોલ્ટ ટાઈટ કરવાનું કામ કરો છો? ત્યારે તેણે જવાબ આપ્યો કે નહિ, હું બોલ્ટ ટાઈટ નથી કરી રહ્યો પરંતુ મારા દેશની આબરૂ ટાઈટ કરી રહ્યો છું. તેણે ઉમેર્યું કે વિદેશની ધરતી પર રખે ને વાહનનો બોલ્ટ નીકળી જાય, તો મારા દેશની આબરૂ જાય. આમ વર્ષોથી ભણાવવાનું એક જ કામ પણ જો ઉચ્ચ કર્તવ્ય ભાવથી કરવામાં આવે તો તે કાર્યની ગુણવત્તા તથા કાર્ય કરવાનો ઉત્સાહ જળવાઈ રહે છે. કાર્યક્રમના અંતમાં સૌએ સામૂહિક પૂર્ણ વંદેમાતરમનું ગાન કર્યું.
રિપોર્ટર.: અનવર સૈયદ.