ડીસા-ધાનેરા રોડ પર આજે વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સર્જાઇ છે. દૂધ લેવા જઈ રહેલી 18 વર્ષીય યુવતીને કાર ચાલકે ટક્કર મારતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
ડીસા-ધાનેરા રોડ પર આજે વહેલી સવારે અકસ્માતમાં 18 વર્ષીય યુવતીનું કરુણ મોત થયુ છે. ગલાલપુરા ગામે રહેતા મેહુલકુમાર કાંતિલાલ ઠાકોર પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે વહેલી સવારે તેઓ ઘરે હતા તે સમયે તેમની નાની બહેને અલકા ઠાકોર દૂધ લેવા માટે જઈ રહી હતી અને તે દૂધ લેવા માટે તેમના ખેતર પાસેથી પસાર થતો હાઇવે રસ્તો ક્રોસ કરી સામે આવેલી દુકાન તરફ જઈ રહી હતી. તે સમયે ત્યાંથી પૂરપાટઝડપે પસાર થઈ રહેલ કાર ચાલકે યુવતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનાને પગલે કાર ચાલક તરત જ કારમાંથી બહાર આવી ઇજાગ્રસ્ત યુવતીને લઈને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. બનાવને પગલે યુવતીના પરિવારજનો પણ તરત જ ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં યુવતીની તબિયત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ બાદ મારફતે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.
જોકે, પાલનપુર હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં યુવતીનુ કરુણ મોત નિપજ્યું હતું. જે અંગે મૃતકના મોટાભાઈ મેહુલ ઠાકોરે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
  
  
  
   
   
   
  