બનાસકાંઠામાં હંમેશા વિવાદોમાં રહેતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે માનવતા મહેકાવતું કામ કર્યું છે. નેશનલ હાઈવે પરથી પસાર થતી વખતે અકસ્માતગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સની રાહ જોવાની બદલે પોતાની જ ગાડીમાં લઈ જઈ તાત્કાલિક સારવાર કરાવી છે.

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ભીલડી પાસે એક બસ ચાલકે બાઈક સવાર યુવકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બાઇક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો એકત્ર થઈ 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરી હતી.

તે સમયે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ તેમની ગાડીમાં પસાર થઈ રહ્યા હતા અને અકસ્માત જોઈ તેઓ પણ ત્યાં થોભી ગયા હતા. અકસ્માતગ્રસ્ત બાઇક ચાલક યુવકને ઇજા પહોંચી હતી તે સમયે ગેનીબેન ઠાકોરે 108 એમ્બ્યુલન્સ વાનની રાહ જોવાને બદલે યુવકને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેમની ગાડીમાં યુવકને લઈ જઈ ભીલડી રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર વિરોધી ટિપ્પણી કરવામાં અને તંત્રની નિષ્ફળતા દર્શાવવા મામલે નિવેદન આપતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હંમેશા વિવાદોથી ઘેરાયેલા રહે છે, ત્યારે આજે એક સકારાત્મક કાર્ય કરી તેમને માનવતા મહેકાવી છે.