વાવ તાલુકાના સપ્રેડા ગામે ખાનગી શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતાં ઢીમા ગામના કિશોરે સોમવારે અગમ્ય કારણોસર હોસ્ટેલમાં ઇંગલ સાથે રૂમાલ બાંધી આપઘાત કરી લીધો હતો. જેના થેલામાંથી સ્યુસાઇડ નોટ મળી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને મૃતદેહ પી.એમ. અર્થે ખસેડાયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વાવ તાલુકાના સપ્રેડા ગામે આવેલી શ્રી માલાણી વિદ્યાલયમાં ધોરણ 10 માં વાવના ઢીમા ગામનો વિદ્યાર્થી સાવન જગદીશભાઈ સાધુ (15) ત્યાં આવેલ શાળાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. જેણે સોમવારે સવારે સાડા નવ વાગ્યાના સુમારે હોસ્ટેલના રૂમની ઈંગલે બે રૂમાલ બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેની જાણ વિદ્યાર્થીઓ સંચાલકોને થતાં સંકુલમાં અરેરાટી મચી હતી.
આ અંગે પરિવારને જાણ કરી તાત્કાલિક કિશોરને હોસ્પિટલ લઇ જવાયો હતો. જોકે, તેને મૃત જાહેર કરાયો હતો. મૃતદેહનું વાવ રેફરલ ખાતે પી એમ કરી પરિવારને સોંપાયો હતો.મૃતકના પિતા જગદીશભાઈ સાધુએ વાવ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હોસ્ટેલમાં રહેતા સાવને આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે તેના રુમમાં તેના થેલાની તલાસી લેતાં અંદરથી સ્યુસાઇટ નોટ મળી હતી. જેમાં હું જાતે મરૂ છુ, દુ:ખ લગાડતાં નહી વાક્ય લખેલું હતું.
રૂમમાં રહેતાં વિદ્યાર્થીઓ સોમવારે સવારે પરીક્ષા આપવા ગયા ત્યારે સાવને તેમને કહ્યુ હતુ કે, તમે જાઓ હું આવું છું. જોકે, સમય વિતવા છતાં તે ન આવતાં સહપાઠીઓ રૂમમાં તપાસ કરવા ગયા હતા. જેમણે રૂમની બારીએથી જોતા ઇંગલે રૂમાલથી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.