ડીસા નગરપાલિકા દ્વારા જુનાડીસા પાસે ઘણ કચરાના નિકાલ મામલે ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. તંત્રએ જુનાડીસા પાસે નાયબ કલેક્ટર દ્વારા જમીન ફાળવાવા મટે કાર્યવાહી થતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે
ડીસા નગરપાલિકા જુનાડીસા પાસે વર્ષ 2003 થી ડમ્પીંગ સાઈટ બનાવી ઘન કચરાનો નિકાલ કરે છે. અહીં ડીસા શહેરનો તમામ કચરો લાવીને ઠાલવવામાં આવે છે, પરંતુ ઘન કચરાની ડમ્પીંગ સાઈડને લઇ આજુબાજુમાં રોગચાળો ફેલાતો હોવાથી જુનાડીસાના લોકોએ આ મામલે ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દિલ્હીમાં ફરીયાદ કરી હતી. જેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જાન્યુઆરી 2024 માં આ ઘન કચરાની જગ્યા માત્ર 2 મહિનામાં ખાલી કરી અન્ય જગ્યાએ આ ઘનકચરા સાઈટને સ્થળાંતર કરવા હુકમ કર્યો છે.
જેના માટે ડીસા નાયબ કલેક્ટરને હવે કચરાના નિકાલ માટે નવીન જગ્યા શોધવાનું શરૂ કર્યું છે. તેમજ ડીસા શહેર અને ડીસા તાલુકામાં કેટલીય સરકારી પડતર જમીનો હોવા છતાં નાયબ કલેક્ટર દ્વારા જુનાડીસા ગામની જ જમીન ફાળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. તેના વિરોધમાં આજે જુનાડીસા ખાતે ગામના આગેવાનો, યુવાનો અને વડીલોની સભા યોજાઈ હતી. જેમાં તમામ લોકોએ સાથે મળી જુનાડીસા ગામની એકપણ સર્વે નંબરમાં કોઈપણ પ્રકારની જમીન ઘન કચરાની ડમ્પિંગ સાઈટ માટે ન ફાળવવા મુદ્દે ચર્ચા કરી હતી અને તમામ લોકોએ સાથે મળી આ મામલે વિરોધ દર્શાવ્યો હતો.
આ બાબતે ગામના પૂર્વ સરપંચ બબાભાઈ દેસાઈ અને આગેવાન પસાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ડીસા નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન ખૂબ જ પડી હોવા છતાં પણ અમારા જુનાડીસા ગામમાં જ જમીન ફાળવવા માટે નાયબ કલેક્ટરે દરખાસ્ત કરી છે ત્યારે, આજે અમે જુનાડીસા ગામના તમામ આગેવાનો અને લોકોએ ભેગા થઈ આ મામલે વિરોધ દર્શાવ્યો છે અને કોઈપણ ભોગે જુનાડીસામાં ઘન કચરાના ડમ્પિંગ સાઈટ માટે જમીન ફાળવવા નહીં દઈએ.