ડીસાના અંબિકા ચોક વિસ્તારમાં દીન દહાડે અજાણ્યો શખસ ઘરમાં ઘુસી જઈ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ઘરમાં સૂતેલી મહિલા જાગી જતાં ચોર ચોરી કરી નાસી ગયો હતો. જે મામલે ડીસા શહેર ઉત્તર પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે

ડીસાના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા રવિભાઈ મોદી કરિયાણાનો વ્યવસાય કરે છે. તેમજ આજે બપોરના સમયે તેમના નાના ભાઈના પત્ની દરવાજો બંધ કરી ઘરમાં ઉપરના માળે સુતા હતા. તે સમયે કોઈ અજાણ્યો શખ્સ ઘરના દરવાજાનું તાળું કટરથી કાપી ઘરમાં પ્રવેશ્યો હતો અને તિજોરીની તોડફોડ કરી ડ્રોવરમાં મુકેલા દાગીના અને રોકડ રકમની ચોરી કરી રહ્યો હતો. ઘરમાં અવાજ આવતા જ ઉપરના માળે સૂતેલા શિવાનીબેન નીચે આવીને જોતા હતપ્રત બની ગયા હતા.

જોકે, તરત જ તેમણે ચોરને પકડવાની કોશિશ કરતા ચોર તેમની સાથે હાથાપાઇ કરી ભાગ્યો હતો. જેથી શિવાનીબેને બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો ચોર તેનો થેલો મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ડીસા શહેર ઉત્તર પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી.

 તપાસ કરતા તિજોરીમાંથી એક સોનાની ચેન, બુટ્ટી અને વીંટી તેમજ 22 હજાર રૂપિયા રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જ્યારે ચોરના થેલામાં તપાસ કરતા તાળું અને દરવાજો તેમજ તોડવા માટે લાવેલ ડીસમીસ સહિતના ઓજારો મળી આવ્યા હતા. જેથી પોલીસે ચોરનો સામાન જપ્ત કરી તેની શોધખોળ હાથ ધરી છે.