પાલનપુર યુજીવીસીએલનો ઈન્ચાર્જ અધિક્ષક ઈજનેર રૂપિયા 50 હજારની લાંચ લેતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઈલેક્ટ્રિકલ લેબર કોન્ટ્રાક્ટરનું ટેન્ડર મંજૂર કરવા બદલ ઈજનેર દ્વારા લાંચની માગણી કરવામાં આવી હતી. જે અંગે ફરિયાદીએ ફરિયાદ આપતા મહેસાણા એસીબીની ટીમે છટકું ગોઠવી ઈન્ચાર્જ અધિક્ષક ઈજનેરને રૂપિયા 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
બનાસકાંઠામાં ઈલેકટ્રિકલ લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વ્યકિતએ યુજીવીસીએલ પાલનપુર વર્તુળ કચેરી ખાતે ટેન્ડર મંજૂર કરાવવા માટે ઈન્ચાર્જ અધિક્ષક ઈજનેર સંજય રસિકલાલ પટેલે ફરિયાદીને પાલનપુર બોલાવ્યો હતો અને 83 લાખનું ટેન્ડર મંજૂર કરવા બદલ એક ટકા લેખે 82 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે રકમ ફરિયાદી આપવા માગતા ન હોય ફરિયાદીએ મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે એ.સી.બી મહેસાણાએ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસેથી 82 હજારની માંગણી કરી છેલ્લે રૂ. 70 હજારની રકમ નક્કી કરેલ હતી. ફરિયાદીએ હાલ પોતાની સગવડ મુજબ રૂપિયા 50 હજાર આપતા અને આરોપીએ આ લાંચ ની રકમ સ્વીકારતા જ મહેસાણા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.