ડીસામાં ફરી એકવાર હોમગાર્ડ જવાનોની સરાહનીય કામગીરી કરી છે. રાજસ્થાનથી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ એક પરિવારની દીકરી ગુમ થઈ જતા બે હોમગાર્ડ જવાનોએ એક કલાક સુધી શોધખોળ કરી દીકરીને પરિવારને સોંપી હતી.
રાજસ્થાનના બાડમેરમા ગાયત્રી ચોક ખાતે રહેતા માધુરામ દેવીચંદ માળી તેમના સંબંધીને સારવાર માટે ડીસા ડોક્ટર હાઉસ ખાતે લઈને આવ્યા હતા અને તેમના સંબંધી ધરતી હોસ્પિટલમાં દાખલ હતા. તે દરમિયાન અચાનક તેમની નાની દીકરી અચાનક ગુમ થઈ ગઈ હતી. ઘટનાની જાણતા જ પરિવારે શોધખોળ હાથ ધરી હતી.
તે દરમિયાન ગાયત્રી મંદિર ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ જવાન ભરત ડી.દેસાઈ અને રોહિત.આર કુંભરેચાને માહિતી મળતા જ તેમણે તરત જ દીકરીની શોધખોળ હાથ ધરી હતી અને લગભગ એક કલાક સુધી શોધખોળ કરી દીકરીની ભાળ મેળવી હતી. તરત જ દીકરીને લઈ તેઓ હોસ્પિટલ પહોંચી તેના પરિવારજનોને દીકરી સોંપી હતી. દીકરી મળી આવતા જ પરિવારજનોએ હાંસકારો અનુભવ્યો હતો અને બંને હોમગાર્ડ જવાનોની કામગીરીને બીરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.