ડીસામાં વધુ એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આસેડા ગામ પાસે કેનાલની બાજુમાં આવેલી ઝાડીમાં ઝાડ પર યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ડીસા તાલુકા પોલીસે બનાવ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ થઇ છે.
ડીસા તાલુકાના આસેડા ગામ પાસેથી પસાર થતી કેનાલની બાજુમાં આવેલી ઝાડીમાં એક યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. કેનાલ પરથી પસાર થતાં લોકોએ ઝાડ પર લાશ લટકતી જોઇ તરત જ ડેપ્યુટી સરપંચને બોલાવી પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ કરતાં ગામના 27 વર્ષીય વિક્રમજી જીવણજી ઠાકોરે આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું.
જેથી પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી લાશને નીચે ઉતારી પી.એમ. અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ડીસા તાલુકા પોલીસે યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા પંથકમાં ત્રણ દિવસમાં બે યુવકોએ આત્મહત્યા કરી છે. જેમાં બે દિવસ અગાઉ ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં પણ એક યુવકે પત્નીની સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ આજે આસેડા ગામ પાસે વધુ એક યુવકે આત્મહત્યા કરી છે.
 
  
  
  
   
  