ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં રહેતા એક 35 વર્ષ ના યુવકે ગઈકાલે ઘરે એકલો હતો તે દરમિયાન અગમ્ય કારણોસર પોતાની જ પત્નીની સાડી વડે પંખા ઉપર લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે આ મામલે ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

આ બનાવની વિગત એવી છે કે ડીસા શહેરના રિઝમેન્ટ વિસ્તારમાં રહેતો 35 વર્ષીય પ્રવીણભાઈ ઉર્ફે ભરતભાઈ દશરથભાઈ રાવળ છૂટક મજૂરી કરતો હતો. તેણે થોડા સમય અગાઉ હારીજ તાલુકાના કુકરાણા ગામે રહેતા બબીબેન સાથે લગ્ન કર્યા હતા. બબીબેને કુકરાણા ગામેથી છૂટાછેડા લઈ પ્રવીણ સાથે લગ્ન કરેલા હતા અને બબીબેન પોતાની સાથે એક નવ વર્ષની દીકરીને લઈને આવેલા હતા. તેઓ બંનેના લગ્ન જીવન દરમિયાન તેમને કોઈ સંતાન ન હતું. બબીબેન રસોડામાં મજૂરી કામ કરે છે જ્યારે પ્રવીણ માર્કેટ યાર્ડમાં છૂટક મજૂરી કરતો હતો. ગઈકાલે સાંજે બબીબેન પોતાના બહેનના ઘરે ગયેલા જ્યાંથી રાત્રે આઠેક વાગ્યે પરત આવતા તેમના ઘરનો દરવાજો ન ખુલતા તેઓએ આજુબાજુના લોકોને બોલાવી તપાસ કરતા અંદર તેમના પતિ પ્રવીણભાઈ રાવળ પંખા સાથે સાડી વડે ગળાફાંસો ખાઈ લટકેલા હતા.

જેથી તેઓએ તેમના સાસરી પક્ષના લોકોને જાણ કરી બોલાવતા દરવાજો તોડી પ્રવીણભાઈની લાશને નીચે ઉતારી પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રવીણભાઈએ કોઈ અગમ્ય કારણસર આપઘાત કરી લેતા પોલીસે તેઓની લાશને પીએમ અર્થે ડીસા સિવિલમાં મોકલી ઉત્તર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.