ડીસા તાલુકાના યાવરપુરાના એક યુવકે ભડથના વ્યાજખોરો પાસેથી સાત મહિના પહેલા 50,000 ઉછીના લીધા હતા. તેની સામે યુવકે એક લાખ ચૂકવ્યા હતા. છતાં પણ મંગળવારે વ્યાજખોરોએ શેરપુરાથી યુવકનું અપહરણ કરી ડીસા બંધ મકાનમાં ગોંધી રાખ્યો હતો. દરમિયાન ડીસા રૂરલ પોલીસે સતર્કતા રાખી યુવકને વ્યાજખોરોની ચૂંગાલમાંથી છોડાવ્યો હતો.
ડીસા તાલુકાના યાવરપુરાના દીનેશભાઈ ખેંગારજી ચૌધરીએ સાતેક માસ અગાઉ ડીસાના ભડથના નારણસિંહ મનુભા વાઘેલા, ભાગીદાર વિક્રમ ધનરાજસિંહ રાજપુત પાસેથી 50,000 રૂપિયા ઉછીનાં લીધા હતા. જેની સામે દિનેશભાઈએ નારણસિંહને એક લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. છતાં વ્યાજનું વ્યાજ કાઢીને બીજા ચાર લાખની માંગણી કરી ધમકી આપતાં દિનેશભાઇએ દુકાન બંધ કરી દીધી હતી. અને છેલ્લા સાત દિવસથી મોબાઈલ બંધ કરીને રામપુરા રહેતા તેમના મામા બાબુજી માધાજી જાટના ઘરે છુપાઈને રહેતા હતા.
જ્યાં મંગળવારે મામાની દીકરીના લગ્ન હોઈ મામેરુ ભરવા માટે પરિવાર સાથે રામપુરા થી શેરપુરા સમુહ લગ્નમાં ગયા હતા. અને માસી નાતીબેન ના ઘરે એકલા ઊંઘ્યા હતા. ત્યારે બપોરના ત્રણ વાગ્યે નારણસિંહ મનુભા વાઘેલા, વિક્રમસિંહ ધનરાજસિંહ રાજપુત, મુકેશભાઈ અમરાભાઇ ચૌહાણ, બિજલસિંહ રજુભા વાઘેલા, ખેમભા વીરચંદજી વાઘેલા આ પાંચ લોકોએ સ્વીફ્ટ ગાડી નંબર જીજે-27-બીઈ-3450 માં અપહરણ કરી વિક્રમસિહે ખિસ્સામાં રાખેલ રૂપિયા 20,000 રોકડા બળજબરીથી કાઢી લીધા હતા. અને ડીસાની એક સોસાયટીના એક બંધ મકાનમાં લઈ ગઈ માર મારી રાજસ્થાન લઈ જઈ મારી નાખવાનું જણાતા મોકાનો લાભ લઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. અને પોતાના કાકા પીરાજી સોનાજી જાટને ફોન કરીને બધી હકીકત જણાવી હતી.
વ્યાજખોરો દરવાજો તોડી યુવકને રાજસ્થાન લઈ જતા હતા. તે વખતે ડીસા રૂરલ પોલીસ આવી જતા નારણસિંહ સાથેના ત્રણ માણસો ભાગી ગયા હતા. જ્યારે વિક્રમસિંહ ધનરાજસિંહ રાજપૂતને પોલીસ પકડી પોલીસ સ્ટેશન લાવી હતી. આમ પોલીસની સકર્તતાનાં કારણે યુવક વ્યાજખોરોની ચૂંગાલમાંથી બચી ગયો હતો.