ડીસા તાલુકાના છત્રાલા ગામના મહિલા સરપંચ, તેનો પતિ, પુત્ર અને ભત્રીજા સહિત ચાર લોકો 40 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડાયા હોવાની ઘટના સામે આવી છે. ગામમાં સીસી રોડનું કામ પૂર્ણ થતાં કોન્ટ્રાક્ટરને બીલનો ચેક આપવા માટે ટકાવારી પેટે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

ડીસા તાલુકાના છત્રાલા ગામના મહિલા સરપંચ સહિત ચાર લોકો લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા છે. જેમાં કોન્ટ્રાક્ટરે ગામમાં સીસી રોડનું કામ કર્યું હતું અને પાંચ લાખ રૂપિયાનો સીસી રોડ બનાવ્યા બાદ કામગીરી પૂર્ણ થતાં કામગીરીનો ચેક લેવાનો હતો. આ ચેક આપવા માટે સરપંચ અને તેમના પુત્રએ કામગીરીની ટકાવારી પેટે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જોકે, કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોય તેમને પાલનપુર એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.

બાદમાં એસીબી પી.આઈ. એન.એ.ચૌધરી અને તેમની ટીમે છટકુ ગોઠવ્યું હતું. જેમાં આજે ફરિયાદી લાંચના નાણા આપવા માટે પહોંચ્યો હતો. જ્યાં મહિલા સરપંચ ગીતાબેન દહેળાજી સોલંકીની હાજરીમાં તેમના પતિ દહેળાજી મોબતાજી સોલંકીએ 40 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હતી. જે લાંચના નાણા લઈ તેના પુત્ર વિક્રમસિંહ દહેળાજી સોલંકીને આપ્યા હતા અને તેણે નાણા સ્વીકારી મહિલા સરપંચના ભત્રીજા જયપાલસિંહ શાંતિજી સોલંકીને આપતા તેણે પૈસા લઈ પેન્ટના ખિસ્સામાં સંતાડી દેતા ટ્રેપ દરમ્યાન ચારેય લોકો લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયા હતા. આમ એસીબીની ટીમે મહિલા સરપંચ સહિત ચારેય લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.