ડીસામાં આજે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળા અને કોલેજમાં યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવી ફરજિયાત મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા.

ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ થઈ હોઈ આ દિવસને મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે દેશના અંદાજે 5800 સ્થાનો પર નમો નવમતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડીસાની મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નવા મતદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત સાથે શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા મહામંત્રી કનુભાઇ વ્યાસ, સંજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, શહેર પ્રમુખ રમેશ દેલવાડિયા તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો તેમજ નવા મતદાતાઓ હાજર રહ્યા હતા.

આ સિવાય ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના રાજ્યશાસ્ત્ર વિભાગ, NSS વિભાગ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા 14 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી હતી. પ્રાંતઅધિકારી નેહાબેન પંચાલે વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી ફરજિયાત મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં સીટી મામલતદાર એસ ડી બોડાણા સાહેબ, તાલુકા ગ્રામ્ય મામલતદાર બકુલેશભાઈની હાજરીમાં તાલુકા લેવલે કામ કરતા બી એલ ઓને પ્રાંત અધિકારીના હસ્તે પ્રમાણપત્ર અપાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ઇવીએમ મશીનનું નિદર્શન પણ કરાવવામાં આવ્યું.સમસ્ત કાર્યક્રમનું આયોજન પ્રો.તેજસ આઝાદ તેમજ પ્રોગ્રામ ઓફિસર પ્રો. તૃપ્તિ પટેલે કર્યું હતું. સંચાલન પ્રો. મિતલ વેકરિયા અને પ્રો દિવ્યા પિલ્લાઈએ કર્યું હતું.