ભારત સરકારની 10 હજાર એફપીઓ સ્કીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા દ્વારા સંચાલિત ધી સદારામ એફપીઓ, કાંટ અજાપુરા અને રાણપુર ખાતે ઓફીસ તેમજ ઇનપુટ શોપનું ઉદ્ઘઘાટન અને ખેડૂત સંમેલન યોજાયું હતું.

ડીસા તાલુકાના કાંટ અજાપુરા અને રાણપુર ખાતે એફપીઓ ઓફીસ તેમજ ઈનપુટ શોપનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના વડા ડૉ.વી.વી. પ્રજાપતિ તથા કુસુમબેન રાજગોરે એફ.પી.ઓ.ની ખેડૂતલક્ષી જુદી જુદી પ્રવૃત્તિઓ અને તેની ભવિષ્યની નીતિ વિશે જાણકારી આપી હતી.વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એ.જી. પટેલે એફપીઓના ઉદેશ્ય અને હેતુ તેમજ તેના દ્વારા ખેડૂતોને કેવા ફાયદા થઇ શકે તે વિશે માહિતી આપી હતી. કનવરજી વાઘનીયા દ્વારા અત્યાર સુધી કરેલ જૂદી-જૂદી પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી તથા તેમજ ભવિષ્યમાં કરવાની થતી કામગીરી વિશે જણાવ્યું હતું.

સરદાર કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણએ એફ.પી.ઓ.ના માળખા વિશે જાણકારી આપી તેમજ જણાવેલ કે ખેડૂતો અને ગૃહિણીઓ ઘરે બેઠા પોતાની ખેતપેદાશોનું નાના પાયે મૂલ્યવર્ધન કરી એફ.પી.ઓ. થકી સીધી વેચી શકશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એફ.પી.ઓ. દ્વારા ખરીદ-વેચાણ વધારવા તથા ખેડૂતોને સાથ સહકાર આપવા યુનિવર્સીટી હંમેશા સહયોગ આપશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને બટાટા સંશોધન કેન્દ્ર, મીલેટ સંસોધન કેન્દ્ર, ડીસાના વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક કૃષિ તથા રવિ પાકો વિશે ચર્ચા કરી ઉપસ્થિત ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું હતું.

ભારત સરકારની ડ્રોન દીદી સ્કીમ અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાંથી સદારામ એફ.પી.ઓ.ના ત્રણ મહિલા સભાસદો દ્વારા ડ્રોન પાયલોટની તાલીમ સફળરીતે પૂર્ણ કરી વ્હીકલ સાથે ડ્રોન મેળવીને સ્વરોજગારની એક તક ઉભી કરી તે બદલ તેઓને કુલપતિને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે 235 જેટલાં ખેડૂત ભાઇ-બહેનો હાજર રહી માહિતી મેળવી હતી.