ડીસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓની મુદ્દત 23 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલી હોવા છતાં પાલિકા દ્વારા નવી સમિતિઓની નિમણૂંક ન કરતા ભાજપ સાશિત ડીસા નગરપાલિકાના અપક્ષ સદસ્યએ પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખીત રજૂઆત કરી નગર પાલિકા અધિનિયમ હેઠળ મંજૂર થયેલ નિયમોનું પાલન કરવા તેમજ સામાન્ય સભા ન બોલાવવાના કારણો જણાવવા રજૂઆત કરી છે.

ડીસા નગરપાલિકામાં બીજા ટર્મમાં પ્રમુખ તરીકે સંગીતાબેન દવે અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોરની નિમણૂંક કરાયા બાદ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદભાઇ માખીજાની નિમણૂંક કરાઇ હતી. જ્યારે પાલિકાની અન્ય સમિતિઓની મુદ્દત 23 જાન્યુઆરી 2024 ના રોજ પૂર્ણ થતી હોવાથી જૂની સમિતિના મુદ્દાઓની મુદ્દત પૂરી થયાની તારીખ પહેલા નવી સમિતિઓની નિમણૂંક કરવા સામાન્ય સભા બોલાવવાની હોય છે.

પાલિકા દ્વારા સમિતિઓની મુદ્દત પૂર્ણ થઇ હોવા છતાં પણ નિયમો મુજબ નવી સમિતિઓની નિમણૂક કરવા સામાન્ય સભા બોલાવવામાં આવી નથી. જેથી આ બાબતે ડીસા વોર્ડ નંબર ત્રણના અપક્ષ સદસ્ય રમેશ માજીરાણાએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી નગરપાલિકા અધિનિયમની કલમ-201 મંજૂર થયેલા નિયમોનું પાલન કરવા તેમજ સામાન્ય સભા ન બોલાવવાના કારણો જણાવવા લેખિત રજૂઆત કરી છે.