બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આજે ડીસા તાલુકાના જુનાડીસા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ કામગીરી સમીક્ષા કરી અરજદારોની રજૂઆત સાંભળી હતી.

સરકારી કચેરીઓમાં આવતા અરજદારો અને લોકોની રજૂઆતો પ્રશ્નોનો યોગ્ય રીતે નિકાલ થાય છે કે કેમ અને કર્મચારીઓ પણ કેવી કામગીરી કરી રહ્યા છે તેની ચકાસણી માટે આજે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ડીસા તાલુકાની જુનાડીસા ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.

બંને કચેરીમાં કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ કેટલા અરજદારો આવ્યા છે તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ તે અંગે ચકાસણી હતી. સાથે ગ્રામ પંચાયતમાં મફત પ્લોટ મેળવવા માટે આવેલા લોકો અને અરજદારોને રૂબરૂ મળી તેમની રજૂઆતો સાંભળી હતી અને આ મામલે અરજદારોના પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી.

આ અંગે જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, ડીસાના જુનાડીસા ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ મફત પ્લોટ મેળવવા માટે અરજી કરેલા લોકો સાથે મુલાકાત કરી તેમની રજૂઆત સાંભળી હતી અને ઝડપી નિકાલ માટે કર્મચારીઓને સૂચના આપી હતી. આ સિવાય સ્થાનિક લોકોએ બોગસ પ્રેક્ટિસ કરતા તબીબો અંગે રજૂઆત કરતા તેમની સામે પણ તપાસ કરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.