ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં મંડપ બાંધવા બાબતે બોલાચાલી થતા હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાડોશીએ ધારીયા વડે હુમલો કરતા યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ડીસા બાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.
ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય દીપક બજાણીયા છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની બહેનના લગ્ન હોવાથી તેમના ઘરે મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી. મંડપ બાંધવા બાબતે બાજુમાં રહેતા તેમના જ સમાજના વિજયભાઈ સાથે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા વિજયભાઇ અને અન્ય બે મહિલાઓ સહિત ત્રણ લોકોએ તલવાર, ધોકા, પાઇપ જેવા તિક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં દીપકભાઈ બજાણીયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
આ બનાવને પગલે આજુબાજુના લોકો આને તેમના પરીવારજનો દોડી આવી છોડાવતા હુમલો કરનાર લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા.જ્યારે ઈજાગ્રસ્ત દીપકભાઈને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાર મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્તની હાલત વધુ નાજુક હોવાથી વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગે ઇજાગ્રસ્તના પરિવારે હુમલો કરનાર લોકો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.