બનાસકાંઠામાં વધુ એક યુવાનનું હાર્ટ-એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ડીસાના તાલેગઢ ગામે શ્રીરામ ભગવાનની શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવી રહેલા યુવા ખેડૂતને અચાનક હાર્ટ-એટેક આવતાં મોત નિપજ્યું છે.
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં હાર્ટ-એટેકની ઘટનાઓ હજુ પણ યથાવત્ છે. જેમાં ડીસા તાલુકાના તાલેગઢ ગામે 35 વર્ષીય યુવા ખેડૂત રેવાભાઇ પાનકુટા શ્રીરામ ભગવાનની શોભાયાત્રામાં જોડાયા હતા. તે દરમિયાન તેઓ શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવતાં ચલાવતાં જય શ્રીરામના નારા બોલાવી ભક્તિમાં તરબોળ થઈ ગયા હતા. તે સમયે અચાનક તેમને છાતીમાં દુ:ખાવો શરૂ થઈ ગયો હતો.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકોએ તરત જ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હાર્ટ-એટેકથી તેમનું મોત થયું હોવાનું જણાયું હતું. લાખણી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને ડીસા માર્કેટયાર્ડના ડિરેક્ટર તેમજ ભાજપના અગ્રણી બાબુભાઈ પાનકુટાના નાના ભાઇનું મોત થતાં અરેરાટી વ્યાપી હતી તેમજ યુવા ખેડૂત અગ્રણીનું અચાનક હાર્ટ-એટેકથી મોત થતાં પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો હતો.