ડીસામાં શ્રીરામ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સામાજિક, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી સૌએ હળીમળીને આ મહોત્સવને ખૂબ જ ઉત્સાહ અને શાંતિથી પૂર્ણ કરવા એક કટિબદ્ધતા બતાવી હતી.
શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ડીસા શહેર પણ રામમય બની ગયું છે. દરેક ડીસાવાસી રામોત્સવને ખૂબ જ ઉત્સાહથી ઉજવવા માટે આતુર બન્યા છે. ત્યારે બે દિવસ દરમિયાન શહેરમાં અનેકવિધ કાર્યક્રમ યોજાનાર છે. ખાસ કરીને ડીસામાં રામજી મંદિરથી અલગ અલગ શોભાયાત્રા નીકળવાની છે. આ શોભાયાત્રામાં 11 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ છે.
શોભાયાત્રા સિવાય રાત્રિ દરમિયાન ડાયરો, એક શ્યામ શ્રી રામ કે નામ સહિતના કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર દક્ષિણ મથકે પી.આઇ. આર.એસ. દેસાઇની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના સામાજિક અને ધાર્મિક સંસ્થાના આગેવાનો, રાજકીય અગ્રણીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં બે દિવસ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી. આ તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને ખૂબજ ઉત્સાહપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ અને આગેવાનોએ કટિબદ્ધતા બતાવી હતી.