ડીસામાં લેખરાજ ચાર રસ્તા પાસે મોડી રાત્રે જાહેરમાં સમાજ વિરોધી અપશબ્દો બોલવાની ના પાડતા પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઇજાગ્રસ્ત ચાર લોકોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસામાં મોડી રાત્રે લેખરાજ ચાર રસ્તા પાસે સોની સમાજના યુવકો ઉભા હતા. તે સમયે દારૂના નશામાં આવેલા યુવકો સોની સમાજ વિરુદ્ધ જાહેરમાં અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી વિજય સોની સહિત અન્ય સોની સમાજના લોકોએ તેને સમાજ વિરોધી અપશબ્દો બોલવાની ના પાડતા યુવકો ઉશ્કેરાઇ ગયા હતા. તેમજ ધના મોદી અને તેના ત્રણ પુત્ર સહિત ચાર લોકોએ સોની સમાજના યુવકો પર હુમલો કર્યો હતો. પાઇપ વડે હુમલો કરી તેમની સોના-ચાંદીની દુકાનમાં પણ ઘૂસી જઇ તોડફોડ કરતાં સોનાની ચેન પણ ગુમ થઇ ગઇ હતી અને ચાર યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર પિતા પુત્રો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ તરત જ બનાવસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત વિજય સોની, વિશાલ સોની, રવિ સોની અને પ્રવીણ સોનીને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ધના મોદી અને તેમના ત્રણ પુત્ર જીતુ મોદી, યોગેશ મોદી અને ભોપા મોદી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.