ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે જમીનના ભાગલા બાબતે પારિવારિક બબાલ થઈ હતી. જેમાં ત્રણ શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કરતા ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે રહેતા જાદવ પરિવારમાં અગાઉ જમીનના ભાગલા પાડ્યા હતા, પરંતુ ભાગલા બાબતે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી. તે દરમિયાન સવસિંગ જાદવ ઘરે હતા તે સમયે તેઓના કૌટુંબિક રણજીતસિંહ જાદવ, મુકેશસિંહ જાદવ અને કિરણસિંહ જાદવે આવી બોલાચાલી કરી તેમના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

 આ ઘટનાને પગલે તેમના પરિવારની મહિલાઓ દોડી આવી તેમને છોડાવવા પ્રયાસ કરતા તેમના પર પણ ધોકા વડે અને છરી વડે હુમલો કરતા ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર ત્રણ શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આ ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત સવસીંગ જાદવ, મલીબેન જાદવ, અસ્મિતાબેન જાદવ, સુર્યાબેન જાદવ અને ચેતનાબેન જાદવને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે હુમલો કરનાર રણજીતસિંહ જાદવ મુકેશસિંહ જાદવ અને કિરણસિંહ જાદવ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.