ડીસામાં દૂરદર્શન કેન્દ્ર સંચાલિત એફ. એમ. સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એફ.એમ. સ્ટેશનનું વર્ચુયલ લોકાર્પણ કરતા ડીસા સહિત આજુબાજુમાં 20 કિલોમીટરની રેન્જમાં રહેતા લોકોને મનોરંજનની સાથે હવે સરકારી યોજનાઓની પણ માહિતી મળશે.
વેપારી મથક ડીસામાં વર્ષોથી એફ એમ રેડિયો સ્ટેશન ન હતું અને ડીસા શહેરમાં એફ.એમ સ્ટેશન શરૂ થાય તેવી લોકોની પણ લાગણી અને માંગણી હતી. થરાદ અને આબુરોડ ડીસાથી સાઈઠ કિલોમીટર દૂર હોવાના કારણે ત્યાંના એફ એમનું કવરેજ પણ મળતું ન હતું.
જેથી સ્થાનિક નેતાઓ અને લોકોની માંગણીને ધ્યાને લઇ સરકાર વિચારણા હેઠળ હતી અને આખરે ડીસા દૂરદર્શન કેન્દ્ર ખાતે 100 ડબલ્યુ એફ.એમ. ટ્રાન્સમીટરની મંજૂરી આપતા આજે વર્ચુયલ લોકાર્પણ પી.એમ. નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવિણભાઇ માળી સહીત રાજકીય આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ એફ.એમ. કેન્દ્ર બાબતે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના આસિસ્ટન્ટ એન્જિનિયર હેમંતસિંહ ગરાસિયાએ જણાવ્યું હતું કે, દેશમાં બાર એફ એમ સ્ટેશનનું આજે લોકાર્પણ થયેલ છે. જેમાં ડીસાનો પણ સમાવેશ થયેલ છે. હાલ બનાસકાંઠામાં થરાદ બાદ ડીસા ખાતે શરૂ થઈ રહ્યું છે. જોકે, આ સ્ટેશનથી લોકોને સરકારી યોજના સહિત અનેક જરૂરી અને અગત્યની માહિતીઓ મળશે અને ગામડાના લોકો પણ હરતા ફરતા માહિતી સાથે મનોરંજન મેળવી શકશે.